આધાર રાખી જોઈએ!
હસ્તરેખા પર, જરા આધાર રાખી જોઈએ
સાવ નક્કર ભીંત વચ્ચે,દ્વાર રાખી જોઈએ!
ઘર ત્યજી નીકળે નદી,બસ એમ સપના નીકળે
એક દરિયો,પાપણે તૈયાર રાખી જોઇએ !
કોઇ,પડછાંયો વટી દેખાડશે તો માનશું
ત્યાં સુધી,આકાર પર અધિકાર રાખી જોઇએ !
વ્યાજબી કારણવગર ઈતિહાસ ક્યાં બદલાય છે ?
આપણો કિસ્સો,ખુલાસવાર રાખી જોઇએ !
આ સ્થળે સંદિગ્ધતાથી શું વધારે પ્રાપ્ય છે?
શૂન્ય સામે,શેષનો વ્યવહાર રાખી જોઇએ
જાગતી આંખો ઉપર છંટાય છે દ્રષ્યો,સતત
બંધ આંખે કૈંક અપરંપાર રાખી જોઇએ !
આવતી હર ક્ષણ,જુદા આશ્ચર્ય લઈને આવશે
અવતરણચિહ્ન્નો,સુગંધીદાર રાખી જોઇએ !
પર્વનાં પર્યાય નક્કી કોણ કરશે,આખરે
એ અનુત્તર પ્રશ્ન,ચર્ચા બહાર રાખી જોઇએ !
ઓગળે તો છુંદણાંને ફૂટશે વાચા,હવે
ટેરવાંનો તાપ ઠંડોગાર રાખી જોઇએ !
-ડૉ.મહેશ રાવલ